03/01/2016

સર્વશ્રેષ્ઠ વડો કોણ ?

રાજા અકબરનો દરબાર ભરાયો હતો. સોનાના સિંહાસન પર રાજા અકબર બિરાજમાન છે. બાજુમાં પડદા પાછળ રાજાની રાણીઓ બેઠેલી છે. રાજાના દરબારના નવરત્નો પોતપોતાના આસન પર ગોઠવાયેલા છે.

રાજાનું સમગ્ર પ્રધાનમંડળ, અધિકારીઓ બધા આજની સભામાં હાજર છે. બધા નગરજનો શાંતિ જળવાય તેમ બેસી ગયા છે. આજની સભા અતિ મહત્ત્વની છે. કારણ કે આ વાર્ષિક સભા છે. રાજા પોતાના મંત્રીઓ પાસેથી તેમણે કરેલાં કાર્યોની માહિતી મેળવવા માંગતા હતા. આજે અહીં નગરજનોની ફરિયાદો પર ચર્ચા વિચારણા થવાની છે.

રાજા અકબરે બધાનું અભિવાદન ઝીલી કાર્યવાહી આગળ વધારવા સૂચન કર્યું. વારાફરતી દરેક પ્રધાન ઊભાં થઈને તેમણે કરેલા કાર્યોની વિગત રજુ કરવા લાગ્યા. ભવિષ્યમાં કયા નવા કાર્યો કરવા, નવી યોજનાને કેવું સ્વરૃપ આપવું તેની ચર્ચા થઈ. રાજાની ચતુર અને દીર્ઘદ્રષ્ટિવાળી રાણી જોધાબાઈ અને હોંશિયાર બીરબલ જરૃર મુજબ સૂચન કરતા ગયા. પછી પ્રજાજનોની ફરિયાદો અંગે ચર્ચા વિચારણા ચાલી. રાજા અકબરે પોતાના પ્રધાનોને સલાહ સૂચન પણ આપી દીધા.

રાજા અકબરના રાજ્યમાં જુદી જુદી જાતિ, ભાષા અને ધર્મના લોકો રહેતા હતા. દરેક ધર્મના લોકોમાં તેમનો એક વડો પણ હતો. દરેક ધર્મના વડાઓમાં એક વિખવાદ જાગ્યો હતો અને તે એ કે બધા ધર્મના વડાઓમાં સર્વશ્રેષ્ઠ વડો કોને ગણવો ? બધા ધર્મના વડાઓ અનેકવાર ભેગા થતા હતા, ચર્ચાવિચારણાની સાથે સાથે બોલાબોલી પણ થતી હતી અને કોઈપણ નક્કર પરિણામ વગર તેમની સભા વિખરાઈ જતી હતી.

વડાઓના આ પ્રશ્નથી અકબર ખુદ મૂંઝવણમાં પડી ગયા હતા. અકબરે પોતાના મુખ્ય અને ચતુર પ્રધાન બીરબલને આનો રસ્તો કાઢવા સૂચન કર્યું. બીરબલે આ પ્રશ્નનાં નિરાકરણ માટે મુદત માંગી રાજા અકબર બીરબલની સાથે સહમત થયા એટલે બધા દરબારીઓ અને પ્રજાજનો વિખરાયા.

બીરબલ તો રાત દિવસ એ જ વિચારવા લાગ્યો કે આ પ્રશ્નનું નિરાકરણ કેવી રીતે લાવવું ? આખરે બીરબલે એક ઉપાય વિચારી લીધો. બીરબલની યોજના મુજબ જુદા જુદા ધર્મના વડાઓને રાજમહેલની પાછળ આવેલા બાગમાં ભોજન ગ્રહણ કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા. બધા વડાની આગતા સ્વાગતા ખૂબ જ ધૂમધામથી કરવામાં આવી.

પછી બધા વડાઓને બેસવા માટે ચાંદીના બાજોઠ ઢાળવામાં આવ્યા. ભોજન માટે ચાંદીના વાસણોની વ્યવસ્થા હતી. જાતજાતની વાનગીઓ પીરસવામાં આવ્યા. બધાની બાજોઠની પાસે ફળફળાદિની ટોપલીઓ અને સૂકામેવાના ડબ્બા ગોઠવવામાં આવી. બીરબલે બધાના ભોજન લેવાનો આગ્રહ કર્યો. એવામાં એક ભિખારી વૃદ્ધ યુગલ આવીને બાગના ખૂણામાં સંકોચાતું સંકોચાતું બેસી ગયું અને ઈશારાથી ભોજન માંગવા લાગ્યું.

આ ભિખારી યુગલને જોઈને ધર્મના વડાઓનાં તેવર ચઢી ગયા. એક વડા બરાડી ઊઠયા, 'અમારા જેવી પવિત્ર અને મહાન વ્યક્તિઓના ભોજન સમયે આ ભિખારીઓ...' બીજા વડાએ સૂર પુરાવ્યો, 'પેલા ભિખારીઓને કાઢો અહીંથી, નહીં તો અમે ભોજનનો ત્યાગ કરીશું.'

એક વડાએ ભોજનની થાળીમાં હાથ જ ધોઈ નાંખ્યા અને બોલ્યા, 'આ તો અમારું અપમાન છે, હું તો અહીંથી જાઉં છું.'

આમ દરેક વડા કંઈ ને કંઈ અપશબ્દો બોલીને ભિખારી યુગલનું અપમાન કરતા રહ્યા. છેલ્લે બેઠેલા એક વડા ચૂપચાપ બેઠા હતા. જેમણે ક્યારેય વડા હોવાનો દાવો કર્યો જ નહોતો.

બીરબલ તેમની નજીક ગયો અને કહ્યું, 'આ વિશે તમારે કશું નથી કહેવું ?'

'અરે, તેને ધર્મ વિશે બહુ જ્ઞાન જ ક્યાં છે તે દલીલ કરશે ?' બીજા વડાઓ બોલી ઊઠયા.

'બીરબલજી, મારે કશું કહેવું નથી, પરંતુ આપ જો મંજૂરી આપો તો કંઈક કરવું જરૃર છે.' બીરબલે માથું હલાવી મંજુરી આપી એટલે તે વડા ઊભા થયા, પોતાના ભોજનની થાળી લઈને વૃદ્ધ યુગલને ધરી દીધી. આ જોઈને બીજા બધા વડાઓ ક્રોધે ભરાયા અને બડબડાટ કરવા લાગ્યા.

વૃદ્ધ યુગલ તો ભૂખ્યું હોય તેમ ભોજન પર તૂટી પડયું અને સઘળું ભોજન સ્વાહા કરીને સંતોષનો ઓડકાર ખાધો. આ જોઈને એક વડા બોલ્યા, 'એય, ભિખારા હવે તો તમારું પેટ ભરાયું ને ? જાવ અહીંથી...' બીરબલે તેમને શાંત પાડતા કહ્યું, 'એ કોઈ ભિખારી નથી. એ તો આપણાં....' આટલું બોલતાં ભિખારી યુગલને તેમનો વેશ હટાવવા જણાવવામાં આવ્યું. વેશ હટાવાયો ત્યારે ખબર પડી કે એ તો રાજા અકબર અને રાણી જોધા હતા.

રાજા અકબર બોલ્યા, 'ધર્મને નામે આખો દિવસ તમે બધા લડો છો, ધર્મપરિષદમાં પણ તમારા બધાના અહમને કારણે નિષ્ફળતા મળે છે. મને સમજાવો કે સાચો ધર્મ કયો ? જૂની પ્રણાલિકા પકડી રાખીને પોતાના અહમને પોષવો એ શું સાચો ધર્મ છે ? કયું ધર્મપુસ્તક ધર્મને નામે લડતાં શિખવાડે છે ? કયો ધર્મ માણસ ઊંચો છે કે નીચો તે નક્કી કરે છે ?

કોઈ ધર્મ ઊંચો કે નીચો નથી, ભૂખ્યાને ભોજન, તરસ્યાને પાણી, અસહાયને સહાય અને સત્યની રાહે ચાલવું એ જ સાચો ધર્મ છે. સાચો ધર્મ સેવા અને માનવતાનો છે. ધર્મનો વડો તે જ છે જે કોઈને ભૂખ્યા કે દુ:ખી નથી જોઈ શકતો. માનવતાનો સાચો પૂજારી એ ખરા અર્થમાં ધર્મનો વડો છે.'

રાજા અકબરની વાત સાંભળી બધા ધર્મના વડા શરમના માર્યા ઝૂકી ગયા. અકબર રાજાએ ભિખારીને ભોજન આપનાર વડાની 'સર્વશ્રેષ્ઠ વડા' તરીકે નિમણૂક કરી.