23/02/2015

લોકજીવનનાં મોતી

તાપી નદી જેના પગડાં પખાળતી વહે છે એવું સુરત નગર દ.ગુજરાતનું ઐતિહાસિક અને સૌથી મોટું શહેર છે


જૂનાકાળે 'સોનાની મુરત' તરીકે ઓળખાતા સુરત શહેર માટે કેટલીક કહેવતો અને ઉક્તિઓ જાણીતી છે ઃ
સુરતનું જમણ
અને કાશીનું મરણ
* * *
સુરતનો સોદો
અને મુંબઇનો માંદો
આ નગરનું નામ સુરત શી રીતે પડયું તે અંગે અનેક કિવદંતીઓ કહેવાય છે. ભાષાવિદો કહે છે કે 'સૂર્યપુર' પરથી સૂરજપુર સૂરજ- સુરત નામ પ્રચલિત બન્યું છે. બીજી માન્યતા પ્રમાણે 'સુરથ' શબ્દ ઉપરથી સુરત નામ પડયું હોવાની શક્યતા છે. અહી 'સુર' નામની જાતિ રહેતી હોવાને કારણે સુરત નામ પડયાની શક્યતા છે. ભગવદ્ગોમંડલ નોંધે છે કે સુરત કે સુરતના નામની સ્ત્રી તુર્કસ્તાનથી તેના પ્રેમી સાથે નાસી જઇને તાપી નદીના કિનારે રહી હોવાથી તેના નામ ઉપરથી સુરત નામ પડયું છે. કોઇ કહે છે કે કામરેજના રાજા કામસેનના વંશમાં સુરસેન નામનો રાજા થઇ ગયો. એણે તાપી કિનારે ૧૪ કૂવાવાળી ૧૪૦૦ વિઘાની વાડી બનાવી હતી. એ વાડીમાંથી તાપી નદીમાં સ્નાન કરવા જવા એક ઘાટ બંધાવ્યો હતો. એ સમયે મુસલમાની રાજ્ય હતું. કુરાનમાં પ્રકરણને 'સુરત' કહે છે. બાદશાહના ફરમાનથી સુરત નામ રાખવામાં આવ્યું. સુરતનો અરબીમાં ખૂબસૂરત એવો અર્થ થાય છે.
સુરતની ઇતિહાસધારામાં ડૉ.મુગટલાલ બાવીસીએ સુરતીઓની વિશિષ્ટ વાતો રસમય રીતે વર્ણવી છે. પોતે ઇતિહાસવિદ્ હોવાથી સુરતના ઇતિહાસની ઘટનાઓ પણ નોંધી છે. મોગલ યુગમાં સુરતમાં ટંકશાળ હતી જ્યાં સોના-ચાંદી અને તાંબાના સિક્કાઓ પાડવામાં આવતા. મોગલ સમ્રાટ શાહજહાંની પુત્રી જહાનઆરાને સુરતની જાગીર આપવામાં આવી હતી. એનો મહેલ જ્યાં હતો એ વિસ્તાર 'બેગમવાડી' અને બેગમપરા નામે ઓળખાય છે. એ સમયે આત્મારામ ભૂખણની પેઢી દેશવિદેશમાં પ્રસિદ્ધ હતી. આ શરાફના મકાનનાં ભોંયરા ચાંદીના રૃપિયાથી ભરેલા રહેતા. સુરત બંદર હોવાને કારણે અનેક દેશોના વહાણો આવતા. આમ ૮૪ બંદરના વાવટા અહી ફરકતા રહેતા. જૂનાકાળે યુરોપિયન પ્રવાસીઓ વિલિયમ હોકિન્સ, એડવર્ડટેરી, સીઝર, ફ્રેડરીક, ટોમસ હર્બટ, ફાધર મોન્સેરાટ, જ્હોન ફ્રેયર, ઓવિંગ્ટન વગેરેએ સુરતની મુલાકાત લીધી હતી અને તેમના પ્રવાસ વર્ણનોમાં એ સમયની સુરતની આર્થિક, સામાજિક, રાજકીય અને ધાર્મિક સ્થિતિ તથા લોકજીવનનું વિસ્તૃત વર્ણન મળે છે.
આજે હીરાઉદ્યોગને કારણે સુરતમાં ભલે સૌરાષ્ટ્રના પટેલો છવાઇ ગયા હોય પણ જૂના કાળે સુરતમાં કાછિયા, કોળી પટેલ, ખત્રી, ખારવા, ગોલા અને ઘાંચીની વસ્તી વિશેષ પ્રમાણમાં હતી.
સુરતના અનાવિલ કુટુંબોમાં નાયક, વશી અને દેસાઇ અટક તથા મુસ્લિમોમાં શેખ, સૈયદ, મલેક, વોરા વગેરે અટકો પ્રચલિત છે. સુરતમાં જૈનો, પારસીઓ, મુસ્લીમો, વોરા, ખોજાઓ તથા મારવાડ અને મહારાષ્ટ્રના વતનીઓની સંખ્યા સારા પ્રમાણમાં છે, જ્યારે દવે, ત્રિવેદી, શુક્લ, પંડયા કે વ્યાસ અટકવાળા બ્રાહ્મણ પરિવારોની સંખ્યા ઓછી છે. સુરતી પ્રજાની ઉડીને આંખે વળગે એવી વિશેષતા એ જોવા મળી કે તેઓ પોતાનો ધંધો, વ્યવસાય, વસવાટનું સ્થળ કે વેચાણની વસ્તુ પરથી પોતાની અટકો ઝડપભેર અપનાવી લે છે. મોટેભાગે પોતે જે ચીજવસ્તુઓનું વેચાણ કરતા હોય તે અને જે ગામથી આવ્યા હોય તેની પાછળ 'વાલા' શબ્દનું પૂંછડુ લગાડી દે છે. જેમ કે
મગજવાલા, બરફીવાલા, મીઠાઇવાલા, લોખંડવાલા, પતરાવાલા, લાકડાવાલા, કોલસાવાલા, ગોળવાલા, સાદડીવાલા, પ્રેસવાલા, કાચવાલા, પાનવાલા, રંગવાલા, માચીસવાલા, મેવાવાલા, ભજિયાવાલા, ફ્રૂટવાલા, ભાજીવાલા, અનાજવાલા, લોટવાલા. એ પછી ગામ ઉપરથી અપનાવેલી અટકો ઃ કતારગામવાલા, હજીરાવાલા, ડુમસવાલા, સૂરતવાલા, રંગૂનવાલા વગેરે. આ ઉપરાંત ભૂતવાલા, રોટલીવાલા, બાટલીવાલા, દેડકાવાલા, કબૂતરવાલા, વાઘવાલા, ચૂપચૂપવાલા અને સત્તરશાકવાલા અટકધારીઓ પણ છે.  આજેય લોકવાણીમાં કહેવાય છે કે 'જમણ સુરતનું ને મરણ કાશીનું.'  અહી જુવારનો શિયાળું પોંક, પાપડી, ઘારી, મઠો, ઊંધિયું, સરસિયા ખાજા, ખમણનો લોચો, સેવખમણી, ભૂંસુ, રતાળુંના ભજિયાનું નામ સાંભળતા જ આપણા મોમાં પાણી છૂટવા માંડે છે. આસો વદ એકમના દિવસે સુરતના લોકો ઘારી ખાવાનો ઉત્સવ ઉજવે છે. તે દિવસે લાખો રૃપિયાની ઘારી મોજથી ઝાપટી જાય છે. અરે, સુરતમાં રૃવાલા ટેકરા (ભાગળ) આગળ એક 'ખાંઉધરા ગલી' નામની શેરી છે, જ્યાં ખાણીપીણીની ઢગલો લારીઓ જોવા મળે છે.
ગુજરાતની વાત કરી એ તો કાથોડી, પઢાર, કોલચા, તડવી, વસાવા, ભીલ સહિત આદિવાસી સમુદાયના લોકો રપ પ્રકારની આદિવાસી બોલી બોલે છે. ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના પંથકોમાં જેમ કચ્છી, હાલારી, ચરોતરી, વાગડી, કાઠિયાવાડી, કચ્છી બોલી બોલાય છે,  એમ સુરતમાં સુરતી ભાષા બોલાય છે. દ.ગુજરાતના લોકોની ભાષા, શબ્દો અને ઉચ્ચારની ખાસિયતો અને વિશેષતાઓ સુરતમાં વર્ષો સુધી રહેલા ઇતિહાસવિદ ડૉ.મુગટલાલ બાવીસીએ નોધી છે જે આ મુજબ છે.
(૧) સુરતીઓ 'સ'ને બદલે 'હ' ઉચ્ચાર કરે છે. દા.ત.સુરતને બદલે 'હુરત', કરીશું ને બદલે 'કરીહું', આવશેના બદલે 'આવહે' વગેરે. પ્રાચીન ઇરાન અથવા પર્સિયામાં ભારતીય અક્ષર 'સ'નો  'હ' ઉચ્ચાર થતો. તેઓ અસૂરને બદલે 'અહૂર',  સોમને બદલે 'હોમ', સિંધુને બદલે 'હિંદુ' વગેરે ઉચ્ચાર કરતા. સુરતીઓ  'થ'ને બદલે 'ઠ'નો ઉપયોગ કરે છે. જેમ કે 'થાક'ને બદલે ઠાક. 'થાળી'ને બદલે ઠાળી ઇત્યાદિ.
(૨) સુરતવાસી પ્રજા બે અક્ષરના ગુજરાતી શબ્દ વચ્ચે 'ઇ' અક્ષર ઉમેરીને બોલે છે. જેમ કે- આવ્યાને બદલે 'આઇવા' કર્યું ને બદલે 'કઇરું', બોલ્યાને બદલે 'બોઇલા' વગેરે.
(૩) સુરતીઓ મોટેભાગે 'ત'ને બદલે 'ટ', 'દ'ને બદલે 'ડ' અને 'ળ'ને બદલે 'લ'નો ઉપયોગ કરે છે. દા.ત.તમને ને બદલે 'ટમને'. 'તપેલી'ને 'ટપેલી', વાતને બદલે 'વાટ', દહીને બદલે 'ડહી,' દાસને બદલે 'ડાસ' ગળે છેને બદલે 'ગલે' છે. બળે છે બદલે બલે છે.
(૪) સુરતી બોલીમાં નહીને બદલે 'ની' શબ્દ પ્રયોજાય છે. દા.ત.નહી મળે ને બદલે 'ની મલે', 'નહી જાય ને બદલે'ની જાય, 'નહી' આવેને બદલે 'ની આવે' વગેરે.
(૫) ગુજરાતી ભાષામાં આપણે કહીએ છે કે 'બસ આવે છે' જ્યારે સુરતીઓ બોલે છે  બસ આવતી છે. અમે આવીએ છીએ ને બદલે 'અમે આવતા છીએ. જઇએ છીએ ને બદલે જતા છીએ, કરીએ છીએ ને બદલે 'કરતા છીએ'' શબ્દપ્રયોગ કરે છે.
(૬) સુરતીઓ હું આવીશને બદલે 'હું આવા', જઇને બદલે 'જાવા',  દઇશને બદલે 'દેવા' શબ્દો વાપરે છે.
(૭) ગુજરાત- સૌરાષ્ટ્રમાં વાતચીતમાં લોકો બોલે છે ઃ 'તમને મુશ્કેલી કે તકલીફ પડશે.' જ્યારે સુરતીઓ બોલશે કે 'ટમને આપદા પડહે.'ગુજરાત- સૌરાષ્ટ્રના લોકો કહે કે તમે ફસાઇ જશો તો સુરતીઓ બોલેઃ 'ટમે અટવાઇ જહો.
(૮) સુરતીઓ ગીલોડીને પલવડી, સાવરણીને પીંછી, સાવરણાને ખરોટો, ગોદડાને સુજની, ઓરસિયાને આખડિયો, કપડાંને લૂગડું, ઝૂડી નાખવું ને 'ઝપેટી નાખવું. મિશ્ર ચવાણાને ભૂંસુ કહે છે.'
કેટલીક અશ્લીલ- ભૂંડાબોલી, ઉઘાડી અને બીભત્સ ગાળો પણ સુરતી ભાષાની  વિશેષતા ગણી શકાય. અન્ય ભાષાઓની જેમ સુરતીઓ ઝઘડો કરે ત્યારે ગાળોનો ઉપયોગ કરે તે સમજી શકાય પણ અન્ય પ્રત્યે પ્રેમ, આદર કે આનંદ વ્યક્ત કરતી વેળાએ પણ અશ્લીલ શબ્દપ્રયોગો કરે છે. આ નવાઇ પમાડે તેવી હકીકત અન્ય બોલીમાં ભાગ્યે જ જોવા મળે છે. કેટલીક વાર તો પુરુષો ઘરમાં સ્ત્રીઓની હાજરીમાં પણ આવી ગાળો ઠપકારે છે. ઘણીવાર તો બહેનો પણ આનો અર્થ સમજ્યા વગર એનો ઉપયોગ કરે છે. શાક-બકાલુ વેચવાવાલી નીચલા વર્ગની સ્ત્રીઓ ગુસ્સે થાય ત્યારે અશ્લીલ શબ્દોની ઝડી વરસાવે છે, જ્યારે સૌરાષ્ટ્રની લોકબોલીઓમાં સંયમ અને મર્યાદા ખૂબ જ જળવાય છે.
ભાષાશાસ્ત્રીઓને રસ પડે  એવી વાત તો એ છે કે સુરતમાં પ્રચલિત અશ્લીલ ગાળો અને શબ્દોમાં અપાર વૈવિધ્ય અને મૌલિકતા પણ જોવા મળે છે. ઘણીવાર બે ભાઇબંધો એકબીજા સાથે પ્રેમથી વાતે વળગ્યા હોય ત્યારે વેણેવેણે રસપૂર્વક બીભત્સ શબ્દોનો ઉપયોગ કરે છે. ક્યારેક બોલનાર પોતાના માટે કે નજીકના સગા-સંબંધીઓ માટે પણ આવા શબ્દો વિશેષણરૃપે વાપરે છે. એમાં એમને એક પ્રકારનો માનસિક આનંદ આવે છે, એમ કેટલાક કહે છે. એની અભિવ્યક્તિની મસ્તી- મજા કંઇક જુદા જ પ્રકારની હોય છે. આવી ભાષાનો ઉપયોગ અશિક્ષિત કે અલ્પશિક્ષિતઓ વિશેષ કરે છે. શિક્ષિત સુરતીઓ થોડો સંયમ જાળવે છે. ડો. બાવીસી આશ્ચર્ય વ્યક્ત કરતાં કહે છે કે 'ગુજરાતના બીજા કોઇ પ્રદેશમાં નહી ને માત્ર સુરતમાં જ બોલીની અભિવ્યક્તિને ધારદાર, અસરકારક અને વિશિષ્ટ બનાવવા માટે આવા અશ્લીલ શબ્દોનો ઉપયોગ શા માટે થાય છે, તેનું કારણ આજલગી માનસશાસ્ત્રીઓ, સમાજશાસ્ત્રીઓ કે ભાષાશાસ્ત્રીઓ શોધી શક્યા નથી. એ નવીનવાઇની વાત છે.'
સુરત શહેર નાનીમોટી અનેક શેરીઓ, પોળો, પરાઓ, ફળિયા, મહોલ્લા, ચકલા, ચૌટા અને બજારોમાં પથરાયેલું છે. અને છેલ્લે આ ઐતિસાહિક સ્થળનામાં પર ઉડતી નજર કરી લઇએ એટલે સુરતની વારતા પૂરી થાય. ભાગળ, ગોપીપુરા, શાહપોર, ઝાંપાબજાર, શેતાન ફળિયા, કાયસ્થ મહોલ્લો, નર્મદ ચકલો, રૃસ્તમપરા, ગોલવાડ, હજીરા, ભાજીવાળી પોળ, શ્રાવક શેરી, માછીવાડ, સોની ફળિયા, ટિમલિયાવાડ, રામપરા, હરિપરા, નાનપરા, સગરામપરા, મહિધરપુરા, રૃદરપુરા, નવાપુરા, સૈયદપરા, બેગમપરા, વાડીફળિયો, કોટવાલ મહોલ્લો, સોદાગરવાડ, ભાગાતળાવ, મુગલીસરા, સંઘાડીઆવાડ, લીમડાચોક, કાંસકીવાડ, ભવાનીવાડ, નવસારી બજાર, ઉપરાંત અન્ય નાના મોટા અનેક સ્થળો જાણીતા છે. ગુજરાતના નગરોની આવી વાતડિયું છે ભાઇ !!

Sent from Samsung Mobile