19/10/2014

આતશબાજીનું અવનવું

આતશબાજીનું અવનવું
દિવાળી એટલે ફટાકડાના ધૂમધડાકા, રોશની અને આનંદનો ઉત્સવ. પ્રાચીન કાળમાં  અગ્નિથી અશુભ તત્ત્વોનો નાશ થાય છે તેવી શ્રદ્ધાથી લોકો આગની જ્વાળામાં વિવિધ ચીજો હોમીને અગ્નિને વધુ પ્રજ્વલિત કરતાં. ૧૨મી સદીમાં ચીનમાં ફટાકડાની શોધ થઈ હતી. ફટાકડાનો ઉપયોગ દુશ્મનો અને જંગલી પ્રાણીઓને દૂર ભગાડવા પણ થતો. ધીમે ધીમે વિવિધ સંસ્કૃતિમાં ફટાકડા અને આતશબાજીની પરંપરા શરૃ થઈ. આપણે ત્યાં દિવાળીમાં ફટાકડાની પરંપરા છે તે જ રીતે વિશ્વના ઘણા દેશોમાં કોઇને કોઇ ઉત્સવમાં દારૃખાનું ફોડવાના રિવાજ છે. આતશબાજીના બે પ્રકાર છે એક જમીન પર ફૂટે અને બીજી આકાશમાં જઈ ફૂટે. મોટા અવાજ અને રંગબેરંગી તારલિયા એ આતશબાજીનું આકર્ષણ છે.
આતશબાજીની કળાને પાયરોટેકનિક કહેવાય છે તેને લોકપ્રિય બનાવવા માટે એક આંતરરાષ્ટ્રીય સંસ્થા ફિલિપાઇન્સમાં આતશબાજીની વર્લ્ડ ઓલિમ્પિકનું આયોજન કરે છે.
આતશબાજીનું દારૃખાનું મુખ્ય ત્રણ રસાયણોનું બનેલું હોય છે. સળગી ઉઠે તેવો વિસ્ફોટક પદાર્થ, રંગ ઉમેરવા માટે વિવિધ રસાયણો અને આ બધાંને જોડી રાખવા માટે ગુંદર જેવું બાઈન્ડર. કોઈપણ વસ્તુ સળગે એટલે ગરમી અને પ્રકાશ પેદા થાય. ગરમીના પ્રમાણમાં પ્રકાશ લાલ, કેસરી, પીળો કે ભૂરો હોય પરંતુ તેમાં વિવિધ ધાતુઓના ક્ષારની કણીઓ સળગે એટલે રંગબેરંગી તણખા પેદા થાય. મેગ્નેશિયમ, એલ્યુમિનયમ અને બેરિયમ જેવી ધાતુના ક્ષાર સળગે ત્યારે વિવિધ રંગના તણખા પેદા થાય છે.