20/11/2013

માતૃભૂમિ માટે બલિદાન આપવા તૈયાર રહીએ...


ઉપસ્થાસ્તે અનમીવા અયક્ષ્મા, અસ્મભ્યં સન્તુ પૃથિવી પ્રસૂતાઃ ।
દીર્ઘ ન આયુઃ પ્રતિબુધ્યમાના, વયં તુભ્યં બલિહૃતઃ સ્યામ ।।

ભાવાર્થ ઃ હે માતૃભૂમિ! અમે તારા ખોળામાં જ મોટા થઈએ છીએ અને આરોગ્યવર્ધક પદાર્થો પ્રાપ્ત કરીએ છીએ. એટલા માટે સમયે આવે ત્યારે તારા માટે બલિદાન આપવામાં પાછીપાની નહિં કરીએ.
સંદેશઃ માતા તો આપણને ફક્ત જન્મ આપે છે, પરંતુ માતૃભૂમિ તો આપણું લાલનપાલન, પોષણ અને રક્ષણ કરે છે. એ જ આપણને રહેવા માટે આશરો આપે છે. અન્ન, જળ, વાયુ, કફ, ઔષધિ, વનસ્પતિ, પશુ, ધન બધું જ આપણને આ સ્નેહમયી મા પાસેથી જ મળે છે. એના સ્વાસ્થ્યપ્રદ સંરક્ષણમાં રહીને આપણે શારીરિક, માનસિક અને આત્મિક ઉન્નતિ કરીએ છીએ. એના અપાર ઉપકારોની કોઈ મર્યાદા જ નથી. એનું માતૃઋણ ચૂકવવાનો પ્રયાસ કરવો તે આપણું કર્તવ્ય છે.
માતૃભૂમિના રક્ષણ માટે પ્રાણોનું હસતાં હસતાં બલિદાન આપી દેવું તે ભારતના રાષ્ટ્રભક્તોની ગૌરવશાળી પરંપરા રહી છે, પરંતુ આપણી કર્તવ્યભાવના ક્યારે જાગૃત થશે? આપણને ક્યારે સદ્બુદ્ધિ આવશે અને આપણે આપણું સર્વસ્વ માતૃભૂમિનાં ચરણોમાં સમર્પિત કરવા ક્યારે તત્પર થઈશું? ભાવનાત્મક નવનિર્માણની જરૃરિયાતનું મહત્ત્વ સમજનારા અને તેના માટે કંઈક ત્યાગ કરવાની હિંમત રાખનારા લોકો જ માતૃભૂમિનું આ ઋણ ચૂકવી શકે છે. જેમનાં અંતઃકરણમાં દેશભક્તિ, સમાજસેવા, પરમાર્થ અને લોકમંગળ માટે કંઈક કરી છૂટવાની ભાવનાઓ લહેરાઈ રહી હોય  એવા નરરત્નો જ પોતાનું જીવન ધન્ય બનાવે છે અને આજના સમયની મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે.
રાષ્ટ્રને આજે એવા સપૂતોની જરૃરત છે કે જેઓ ધર્મના સહારે ભાવનાત્મક, નવનિર્માણના કાર્યમાં જોડાઈ શકે, ઘર-સંસારમાં રહેવા છતાંય સાધુ-બ્રાહ્મણની પરંપરાને નિભાવી શકે. એનાથી જનસમાજનું શુદ્ધિકરણ થશે અને સદ્ગુણો તેમજ સત્પ્રવૃત્તિઓની સુગંધથી દેશનો ખૂણેખૂણો મહેંકી ઊઠશે. પ્રાચીનકાળનું ભારત દેવોપમ મનુષ્યો અને સ્વર્ગીય પરિસ્થિતિઓથી ભરપૂર હતું, કારણ કે દેશવાસીઓનું રાષ્ટ્રીય ચારિત્ર્ય ઉચ્ચકક્ષાનું હતું અને માતૃભૂમિ પ્રત્યેનાં કર્તવ્યોનું પૂરી પવિત્રતા અને ઈમાનદારીપૂર્વક પાલન કરવામાં આવતું હતું. વ્યક્તિગત સ્વાર્થનું રાષ્ટ્રહિત આગળ કોઈ જ મહત્વ નહોતું.
તદ્ઉપરાંત, આ ધરતીમાતા પ્રત્યેનું આપણું કર્તવ્ય પર્યાવરણનું સમતોલન જાળવી રાખવાનું પણ છે. આપણે ધરતીમાંથી દરેક પ્રકારની ખનિજ, વનસ્પતિ અને ઔષધિનું દોહન કરતા રહીએ છીએ, પરંતુ તેના પોષણ પ્રત્યે ધ્યાન આપતા નથી. એટલું જ નહિં, ચારેતરફ જાતજાતની ગંદકી ફેલાવીને રાતદિવસ વધુને વધુ પ્રદૂષણ ફેલાવતા રહીએ છીએ. આપણા આ અજ્ઞાાન પર અને સ્વાર્થપૂર્ણ આચરણ પર ધિક્કાર છે. ધરતી માતા પ્રત્યે આ ઘોર પાપ છે. આપણે તાત્કાલિક એનો પશ્ચાતાપ કરવો જોઈએ. એ સમયનો પોકાર છે. તેને ન સાંભળીને આપણે પોતે પોતાના પગ પર કુહાડો મારી રહ્યા છીએ. વૃક્ષારોપણ અને વૃક્ષોનું  રક્ષણ કરવું તે ધરતીનું જીવન રક્ષણ કરવા માટે સૌથી જરૃરી તત્ત્વ છે. આ હકકીતની અવગણના કરીને આપણે જાતે જ આપણા સર્વનાશને આમંત્રિત કરી રહ્યા છીએ.
જે માતૃભૂમિ આપણને બળ, બુદ્ધિ, દીર્ઘાયુષ્ય, સુખ, સંપત્તિ સર્વે કંઈ આપે તેના પ્રત્યે આપણે આપણું કર્તવ્ય નિભાવવું જ જોઈએ.
- રામશર્મા આચાર્યજી
Sent from my h.mangukiya